← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રશ્નોનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરો પૂછે, બાપુ, સૂરજ ક્યાં જઈને સૂતો?
ચાંદો રાતે કોણે મૂક્યો, ઝાડે કોણે ગૂંથ્યો?

પંખી ઊડે, હું કેમ નહીં? માછલી કેમ ના બોલે?
વાદળ પાસે પાણી ક્યાંથી? દરિયો કેમ ડોલે?
બાપુ હસે, ને માથું ખંજવાળે, જવાબ ક્યાંય ન સૂઝ્યો…
દીકરો પૂછે…

મોટો થયો ને દીકરો પૂછતો બંધ થયો ધીમે ધીમે,
ઑફિસ, ફાઈલ, ઇએમઆઈમાં પ્રશ્નો મર્યા ધીમે ધીમે;
હવે એ જ દીકરાનો દીકરો, એ જ સવાલે ઝૂઝ્યો…
દીકરો પૂછે…

પરાગ કહે: જે પ્રશ્ન પૂછે, એની આંખે આભ,
જવાબવાળા થાકી જાય, પ્રશ્નવાળાને લાભ;
કવિતા તો છે બાળકનો પ્રશ્ન, જે કદી ન ખૂટ્યો…
દીકરો પૂછે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશું માગુંઆગલો લેખ →ખુરશી