પ્રસાદી છે
પરોઢે ઝાડ પર બેઠાં વિહગ-ગાણું પ્રસાદી છે,
ઉઘાડી આંખ ને સૂરજ તણું ટાણું પ્રસાદી છે.
ભલે બે રોટલા, ને ડુંગળી, ને છાશનો પ્યાલો,
ઘણાં મોંઘાં જમણ ખાધાં, મને ભાણું પ્રસાદી છે.
કરે છે ભક્ત જપ માળા, પુજારી દાનપેટીને,
હસીને ઈશ બોલ્યો: ‘આજ તો નાણું પ્રસાદી છે!’
જગત આખું ફરી જોયું, હજારો હોટલો દીઠી,
પરત આવ્યો, થયું: આ ગામ-ઠેકાણું પ્રસાદી છે.
પરાગે ફૂલ પાસે જઈ સુગંધો માગતો ત્યારે,
કહે ફૂલો: ‘મળે જે, એ જ નજરાણું પ્રસાદી છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રસાદ #કૃતજ્ઞતા #સાદગી #જીવનઉત્સવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Gratitude #EverydayBlessings #SimpleLiving #SacredOrdinary #ParagRatanpara