પ્રગટાવ તું
ના ઉછીનો માગ દીવો, ભીતરે પ્રગટાવ તું,
રાત અંધારી ઘણી, બસ ઉંબરે પ્રગટાવ તું.
રાતનો ભૂલ્યો મુસાફર ઘર સુધી આવી શકે,
એક ફાનસ ગામના એ પાદરે પ્રગટાવ તું.
ઝૂંપડે અંધાર, ભૂખ્યાં બાળ, ખાલી ચૂલ છે,
ત્યાં જલાવી દીપ, પાછો મંદિરે પ્રગટાવ તું.
નાવ ભટકી રાતભર ને ના દિશા દેખાય ક્યાંય,
એક ઊંચો દીવડો આ સાગરે પ્રગટાવ તું.
શબ્દનો દીવો ‘પરાગે’ જે જલાવ્યો જીવભર,
તેજ એનું હર ગઝલના અક્ષરે પ્રગટાવ તું.
– પરાગ રતનપરા
#ગઝલ #દીવો #આત્મનિર્ભરતા #અજવાળું #સેવા #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerLight #SelfReliance #Compassion #Hope #ParagRatanpara