પ્રાર્થના
સોનું ન દે, ચાંદી ન દે, થોડી દિશા દેજે મને,
ઘાવો ભલે આપે, રુઝાવાની દવા દેજે મને.
ઊંચો થવાની દોડમાં માણસપણું ભૂલું નહીં,
નીચા નમેલાને હસું ના, એ હયા દેજે મને.
મારી સજા હું ભોગવું, એ તો નિયમ છે, ઠીક છે,
પણ અન્યના દોષો ગળું, એવી ક્ષમા દેજે મને.
થાળી ભલે અડધી મળે, ચાલે મને, ઓ સાંવરા,
અડધી ય બીજાને દઉં, સાચી દયા દેજે મને.
તણખો નથી માગ્યો, પરાગે આગ પણ માગી નથી,
દીવો બળે કો' ઝૂંપડે, એવી પ્રભા દેજે મને.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #ક્ષમા #માણસાઈ #અજવાળું #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Forgiveness #Humanity #InnerLight #ParagRatanpara