પંચમહાભૂત
માટી, પાણી, અગન, પવન ને આભ તણું આ ઘર,
પાંચ તત્ત્વનું પૂતળું નાચે, ને માને: ‘હું અમર!’
માટી બોલી: ‘મારો ઘડ્યો, મારામાં જ સમાશે,’
પાણી બોલ્યું: ‘આંસુ થઈને આંખેથી વહી જાશે;’
અગન કહે: ‘એક દિ’ ચિતામાં હું જ લઈશ આ નગર…’
માટી, પાણી…
પવન કહે: ‘આ શ્વાસ ઉછીના, પાછા લઈ જાઉં,’
આભ કહે: ‘આ ખાલીપો તો મારો, હું ક્યાં ધાઉં?’
પાંચે માગે પોતપોતાનું, બાકી રહે શું ખબર?
માટી, પાણી…
પરાગ કહે: જે પાંચે વચ્ચે ગાતો રહ્યો એક સૂર,
એ છઠ્ઠું તત્ત્વ, પ્રેમ નામનું, એ જ રહેશે ભરપૂર;
બાકી સઘળું પાછું વળશે, પ્રેમ જ રહેશે અમર…
માટી, પાણી…
– પરાગ રતનપરા