પિયરિયું
પિયરિયું સાંભરે રે, સૈયર, પિયરિયું સાંભરે,
બાના હાથની ખીચડી ને બાપુની ઉધરસ સાંભરે…
આંબલીનો છાંયડો, ને કૂવાકાંઠે રમતી ટોળી,
ભાઈની સાઇકલ પાછળ બેસી ગામમાં ફરતી ભોળી;
આજે ય સપનામાં ઊભી હું એ જ જૂના ઉંબરે…
પિયરિયું સાંભરે…
સાસરિયે સુખ છે, સૈયર, ઘર છે, વર છે, વ્હાલ,
તોય તહેવારે ઊપડે છે હૈયામાં ઝીણી ઝાળ;
બા ઊભી હશે રાહ જોતી, ગામને પાદરે…
પિયરિયું સાંભરે…
પરાગ કહે: આ દીકરી તો છે બે આંગણનો દીવો,
સાસરે બળે ને પિયર ઝળહળે, એવો એનો જીવો;
એની આંખનું આંસુ ય ઢળે પિયરની ઝાલરે…
પિયરિયું સાંભરે…
– પરાગ રતનપરા