પિતા
ઘર ઉપરનું છાપરું, ઊભો અડીખમ છે પિતા,
હાથ છાલાથી ભરેલા, ને પરિશ્રમ છે પિતા.
રાતભર જાગી ગણે છે ખર્ચ આખા માસનો,
કાંઈ ના બોલે, છતાં મૂંગું પરાક્રમ છે પિતા.
દીકરીના લગ્ન ટાણે આંખ લૂછી છાનમાં,
કંપતા હોઠે રહેલું મૌન સરગમ છે પિતા.
ફ્રેમમાં ફોટો બનીને ભીંત પર લટકી ગયા,
આજ એ છાયા બનીને સાથ હરદમ છે પિતા.
સૌ વખાણે ફૂલ-ડાળી, પણ કહે છે આ પરાગ,
ભોંયમાં સંતાયલું એ મૂળ ઉત્તમ છે પિતા.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #બાપુ #ત્યાગ #પરિવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #FathersLove #SilentSacrifice #Family #ParagRatanpara