પીંજરો
આંખમાંથી જીવ ઊડ્યો, પીંજરો ઊડી ગયો,
ને પછી એની જ પાછળ વાયરો ઊડી ગયો.
રોજ ચણવા આવતું’તું ઓસરીમાં જે સદા,
એ ગયું, તો સંગ એનો ઉંબરો ઊડી ગયો.
એક ટહુકો જ્યાં સુધી’તો, ત્યાં સુધી ઊભો હતો,
એ ગયો ટહુકો, પછી તો ડુંગરો ઊડી ગયો.
બાળપણમાં મેં ગિલોલે એક ચકલીને હણી,
આજ લગ છાતી મહીં, ક્યાં કાંકરો ઊડી ગયો?
જ્યાં વડીલો સાંજ ટાણે બેસતા’તા, હે ‘પરાગ’,
આજ તો એ ગામનો પણ ચોતરો ઊડી ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #પંખી #આત્મા #ગામડું #ખાલીપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Bird #SoulFlight #VanishingVillage #Emptiness #ParagRatanpara