પી લીધું
નથી શંકર, છતાં મેં તો હસી આ ઝેર પી લીધું,
સગાંનું, મિત્રનું, સૌનું, બધું યે વેર પી લીધું.
કદી પૂરે ડુબાડ્યું ઘર, કદી બાળ્યું દુકાળોએ,
ધરાનો દીકરો છું, મેં ય સઘળો કેર પી લીધું.
ભરી લાંચો, ઘસી ચંપલ, કચેરીએ ગયાં વરસો,
ગરીબે આંખ મીંચીને બધું અંધેર પી લીધું.
તમારી આંખના દરિયે, મને તરતાં ન આવ્યું પણ,
છતાં ખોબો ભરી મેં, એક ઝળહળ લ્હેર પી લીધું.
પરાગે પાંખડીમાંથી નથી માગ્યું કશું ઝાઝું,
હવાના હાથથી બસ ઈશની એ મ્હેર પી લીધું.
– પરાગ રતનપરા
#ગઝલ #સહનશક્તિ #ખેડૂત #અન્યાય #નીલકંઠ #પરાગરતનપરા
#GujaratiGhazal #Endurance #DrinkingThePoison #Farmer #Injustice #ParagRatanpara