← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પવનને કાગળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સખીરી, મેં તો પવનને કાગળ દીધો,
સરનામું પૂછ્યું તો એણે દિશા વિનાનો રસ્તો લીધો.

લખ્યું’તું કે કેમ છો, ને ક્યારે આવો છો આ ગામ,
લખ્યું’તું કે બારસાખે હજી ઝૂલે તમારું નામ;
પવન તો વાંચી, હસી, ને ઝાડવે ઝાડવે કીધો.
સખીરી…

પીંપળ પાને પહોંચી વાત, ને લીમડે ચડી લીલી,
કૂવા-કાંઠે પનિહારીએ ગાગરમાં લીધી ઝીલી;
આખું ગામ ગાતું થ્યું, મેં એકલીએ ઝુરાપો પીધો.
સખીરી…

પરાગ કહે: સખી, પવન તો ફરતો ગામેગામ,
ક્યાંક તો પહોંચાડશે એ તારો લીલો સલામ;
ગઈ રાતે બારીએ આવી, કાનમાં એણે કીધો
સંદેશો: ‘એ આવે છે,’ ને મેં ભરોસો પીધો.
સખીરી, મેં તો પવનને કાગળ દીધો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધરતીનું ઋણઆગલો લેખ →પ્રેમના સ્વાદ