← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પતંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભમાં ઊડે, ચગે, મારો જ સતરંગી પતંગ,
દોર મારા હાથમાં, ને મન ય મનરંગી પતંગ.

કાચ પાયો દોરને, ને કેટલી પાંખો કપાઈ,
રક્તથી ખરડાઈને ઊડે ય બેરંગી પતંગ.

સાંજ પડતાં આભમાં તો કેસર ઢળે, ત્યાં જુઓ,
સૂર્ય જાણે આથમે, થઈ એક નારંગી પતંગ.

બાળપણમાં ધૂળ ખૂંદી, વાડ ઠેકી, ભાગતા,
લૂંટવા દોડી જતા, એ રંગબેરંગી પતંગ.

આ પરાગે દોર છોડી, વાયરે ખુશ્બૂ તરે,
દોર વિણ ઊડે ગગનમાં, એ જ અતરંગી પતંગ.

– પરાગ રતનપરા

#ગઝલ #ઉતરાણ #પતંગ #પંખીબચાવો #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Uttarayan #KiteFestival #SaveBirds #FreeSpirit #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમૌનમાંઆગલો લેખ →કમળ