પટારો
હજી મ્હેકે, પડી છે બા તણી સાડી પટારામાં,
સજેલી ઢીંગલી જાણે નવી લાડી પટારામાં.
ખરીદી’તી પિતાએ બે જ આનામાં, હતા મેળે,
હજી ખખડે, હતી જે ટીનની ગાડી પટારામાં.
દબાયું પુસ્તકે જે ફૂલ, સૂકું તોય મ્હેકે છે,
વસી ગઈ છે સ્મરણ કેરી ભરી વાડી પટારામાં.
હતી બાએ લખેલી, ગીતથી ભરપૂર એ પોથી,
મળી, પણ જીર્ણ થઈ, અડધી હતી ફાડી પટારામાં.
‘પરાગે’ ખોલતાં, ઊઠી સુગંધી સાત પેઢીની,
હજી ચાલે સમયની જે હતી નાડી પટારામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પટારો #સ્મૃતિ #બાળપણ #પેઢીઓ #પરાગરતનપરા
#GujaratiGhazal #OldTrunk #Memories #Heirlooms #Generations #ParagRatanpara