પરોઢનું સપનું
પરોઢિયે આવ્યું સપનું, સખી, કહે છે સાચું પડશે,
આંખ ખૂલે ને જોઉં તો આંગણે કોઈ પગલું અડશે.
ઝાકળ ભીની કેડી ઉપર, કોઈ આવતું’તું ધીરું,
માથે સાફો, હાથે વાંસળી, ને મુખડું હીરું;
ઘંટીનો ઘરઘરાટ સાંભળી, એ સપનું ક્યાંક સરકશે…
પરોઢિયે આવ્યું…
ભીંતે બેઠી કાબર બોલી, ‘મહેમાન આવે છે આજ,’
તુલસીક્યારે દીવો મેલ્યો, ને સજ્યો મેં સાજ;
દૂધ ઊભરાયું ચૂલે, બા બોલી, ‘શુકન કંઈ થશે’…
પરોઢિયે આવ્યું…
પરાગ કહે: પરોઢનું સપનું, ને આશાની કૂંપળ,
ફળે ન ફળે, પણ દિવસ આખો રહે ઝળહળ;
થાકી સાંજે જો ના આવે, તો કાલ ફરી એ ઢળશે…
પરોઢિયે આવ્યું…
– પરાગ રતનપરા