પરસેવો
આંસુ ના હો તો પરસેવો, કંઈક તો વહેવું જોઈએ,
ધરતીના આ ખોળે કોઈનું લોહી વરસવું જોઈએ.
ખેડુ ચાલે હળની પાછળ, તડકે બળતી કાયા,
એના પરસેવાથી ઊગે ખેતરમાં સૌ છાયા;
દાણે દાણે નામ લખ્યું, એ કોઈએ વાંચવું જોઈએ…
આંસુ ના હો તો પરસેવો…
કડિયો ચણતો ઊંચી ભીંતો, પોતે ઝૂંપડે સૂતો,
મજૂર ખેંચે ભારે ગાડું, પગમાં ફાટ્યો જૂતો;
એની રોટી પર પણ થોડું ઘી લસરવું જોઈએ…
આંસુ ના હો તો પરસેવો…
પરાગ કહે: આ પરસેવામાં ગંગાજળની સુવાસ,
જે નાહ્યો એમાં એને ના કોઈ તીરથની પ્યાસ;
મહેનતના આ મોતી આગળ મસ્તક નમવું જોઈએ…
આંસુ ના હો તો પરસેવો…
– પરાગ રતનપરા