પરભાતિયું
જાગ રે મનવા, જાગ, પરોઢિયે ઝાલર વાગે,
અંધારાની ગાંઠ છૂટે, ને અજવાળું આગે.
ગાય ભાંભરે ખીલે, ને વાછરડું દોડે,
પનિહારીનાં બેડાં ઝૂલે, ઘંટી ગીતો જોડે;
ચકલી ઊડી ચાંચે લાવી કિરણ પહેલું ભાગે.
જાગ રે મનવા…
રાત આખી તેં સપનાં જોયાં, હવે જોજે સાચું,
ઊગતા સૂરજ સામે ધરજે મન તારું કાચું;
ઝાકળ જેમ ઊડી જાશે, જે મેલ ભીતર લાગે.
જાગ રે મનવા…
પરાગ કહે: આ પરોઢ તો રોજ નવું રે આવે,
જે જાગે તેને જ સૂરજ સોનાથી નવડાવે;
સૂતો રહે તે સપને ભટકે, જાગે તે જગ જાગે.
જાગ રે મનવા, જાગ…
– પરાગ રતનપરા