← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પનિહારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માથે બેડું, કેડે ગાગર, હાલી સરોવર પાળે રે,
કોણ ઊભો ઓલ્યો પીપળા હેઠે, નેણ નચાવી ભાળે રે?

પાણી ભરતાં ઝાંઝર ઝણક્યું, જળમાં ઝબક્યું મુખ,
જળમાં જોયા બે પડછાયા, હૈયે ઊમટ્યું સુખ;
હસીને બોલ્યો: ‘પાણી ભરવા, કે મને ચડાવવા ચાળે રે?’…
માથે બેડું…

સાસુ પૂછે: ‘મોડું કેમ?’ હું કહું: ‘ઊંડું પાણી,’
નણદી મરકે: ‘ભાભી, તારી આંખ્યું બોલે વાણી’;
લાજ કાઢી હું ઊભી રહી, ઘૂંઘટ નીચો ઢાળે રે…
માથે બેડું…

પરાગ કહે: પનઘટ ગ્યા, ને નળ આવ્યા ઘર ઘરમાં,
એ ઝાંઝર, એ પડછાયા ક્યાં ગ્યા ગામ-નગરમાં?
હવે તો ટાંકી ભરે છે, ને પ્રીત ક્યાં કોઈ પાળે રે?…
માથે બેડું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખટ્રેનમાં ગાતી છોકરીઆગલો લેખ →બહારનું ચોમાસું