← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પનઘટની વાતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પનઘટ પર વાતો રે, વાતોનો નહીં પાર,
એક ઘડો ભરવા જતાં, ભરાય વાત હજાર.

કોઈ કહે: ‘મણિયારની વહુ પિયર ગઈ રિસાઈ,’
કોઈ કહે: ‘સરપંચે તો નવી જીપ લીધી, ભાઈ!’
કોઈ ધીમે ગણગણે: ‘ઓણ મોંઘો થયો જુવાર…’
પનઘટ પર વાતો…

કોઈ કાનમાં બોલે: ‘પેલી છોકરી ને પેલો…’,
કોઈ બોલે: ‘ચૂપ, સાસુ આવ્યાં!’ — ને ઘડો ઝટ ઠેલો;
હસતી, ખીજતી, રડતી, ગાતી સૈયરની વણઝાર…
પનઘટ પર વાતો…

પરાગ કહે: ગામમાં હવે નળ ઘેર ઘેર આવ્યા,
પનઘટ સૂનો, વાતો સૂની, ફોનમાં સૌ સમાયાં;
ઘડો ભરાય છે ઘરમાં, પણ ખાલી રહે છે સંસાર…
પનઘટ પર વાતો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપછાડ, ઓ દરિયાઆગલો લેખ →ચાંદામામા, ક્યાં?