પણ ડંખે
વિરહની રાત તો ડંખી, મિલનનો શ્વાસ પણ ડંખે,
હતી અંધારની પીડા, હવે અજવાસ પણ ડંખે.
ન આવે તું, ન આવે ઊંઘ, આંખો રાતભર જાગે,
ગયાં સપનાં બળી સઘળાં, હવે આ આશ પણ ડંખે.
નદીઓ પી ગયો આખી, છતાં ભીનાશ ના પામ્યો,
તરસ એવી હતી ભીતર, હવે આ પ્યાસ પણ ડંખે.
નથી ગમતી મને નિંદા, હવે તાળી ય ખૂંચે છે,
ગળે માળા પડે, ખોટી મળે ‘શાબાશ’ પણ ડંખે.
પરાગે કંટકો વચ્ચે ઉછેરી ફૂલની ફોરમ,
હવે એ ફૂલ ચૂંટાયું, હવે એ વાસ પણ ડંખે.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #વેદના #તરસ #વિરોધાભાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Longing #ParadoxOfPain #Thirst #HollowPraise #ParagRatanpara