← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગલાં ઊપડ્યાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉંબર ઓળંગીને મારાં પગલાં ઊપડ્યાં રે,
પાછળ રહી ગ્યાં ફળિયાં, પાછળ સગપણ છૂટ્યાં રે.

માએ પાલવ ઝાલી પૂછ્યું: ‘ક્યાં જાશે રે લાલ?’
મેં કીધું: ‘જ્યાં કોઈ ન પૂછે નામ, ઠેકાણું, હાલ;’
ખીંટીએ ટાંગીને આવ્યો હું તો મારું નામ,
ઉંબર ઓળંગીને…

કેડી પૂછે કાંટાળી: ‘તું એકલવાયો કેમ?’
મેં કીધું: ‘જે સાથે ચાલે, દેખાતો નથી એમ;’
ઝોળીમાં બસ એક જ દીવો, એનું અજવાળું તમામ,
ઉંબર ઓળંગીને…

પરાગ કહે: છૂટ્યો એ તો ફૂલથી છૂટી મ્હેક,
ડાળ ભલે રહી ગઈ પાછળ, વગડે વગડે એક;
જે છોડે તે જ પહોંચે, મનવા, આ જ ખરો મુકામ,
ઉંબર ઓળંગીને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછૂટા શેર ૧૬૪૬–૧૬૬૫આગલો લેખ →રળિયામણી સાંજ