પગલાં
દીકરી ચાલી સાસરે ને ઓસરીમાં પગલાં રહ્યાં,
કંકુ પગલાં, અડવાં પગલાં, ભીનાં ભીનાં પગલાં રહ્યાં.
ઝાંપે ઊભો બાપ ન બોલે, આંખ ઢાળી હાથ હલાવે,
મા તો ઘરમાં દોડી દોડી, ઢીંગલી એની પાછી લાવે;
ગાડું ગયું, ધૂળ બેઠી, તોય ધબકતાં પગલાં રહ્યાં…
દીકરી ચાલી સાસરે…
હીંચકો હવે એકલો ઝૂલે, તુલસી પૂછે: ‘પાણી ક્યાં?’
ભાઈ ભેટે ખાલી ખૂણે, કાગળ પૂછે: ‘વાણી ક્યાં?’
ઘર આખું ખાલી ખાલી, પણ ઘરમાં ભરિયાં પગલાં રહ્યાં…
દીકરી ચાલી સાસરે…
પરાગ કહે: આ દીકરી તો આંબાની ડાળ જેવી,
બીજે આંગણ મ્હોરે, પણ મૂળ તો અહીંયાં એવી;
સાંજ ઢળે ને દીવો કરું ત્યાં ઝગમગ ઝગમગ પગલાં રહ્યાં…
દીકરી ચાલી સાસરે…
– પરાગ રતનપરા