પડકાર છે
આજ ઊગ્યો સૂર્ય, ને આ કાલનો પડકાર છે,
દોડતી આ જિંદગીની ચાલનો પડકાર છે.
બાપની આંખે ભરેલા સ્વપ્ન, માથે ભાર છે,
દીકરા પર બાપના એ વ્હાલનો પડકાર છે.
મંચ પરથી સ્વર્ગ સઘળું વાયદામાં આપતા,
ઝૂંપડીમાં ભૂખ સૂતી, હાલનો પડકાર છે.
સૂર તો સૌને મળે, પણ સાથ ગાવું સંગમાં,
એક થઈને નાચવું, એ તાલનો પડકાર છે.
આ પરાગે ફૂલને પૂછ્યું, ‘તને શું દુઃખ છે?’
‘રોજ ખરવાના અધૂરા ખ્યાલનો પડકાર છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #પડકાર #સંઘર્ષ #જવાબદારી #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Challenges #Struggle #Responsibility #Harmony #ParagRatanpara