પડઘા પડે
તું ગયાને વર્ષ વીત્યાં, ઓરડે પડઘા પડે,
હું ય ઊઠું ને ફરું, ત્યાં ઉંબરે પડઘા પડે.
આંખ મીંચું તો ય તારો સાદ આવે ક્યાંકથી,
ઊંઘમાં પણ સ્વપ્નની આ પાંપણે પડઘા પડે.
ઓળતી’તી કેશ તું જે કાચની સામે સદા,
હું હસું ત્યાં તો હસે તું, આયને પડઘા પડે.
સાંજના ટાણે હજી ઊભો રહું છું ઓટલે,
કોઈ ખખડાવે નહીં, તો બારણે પડઘા પડે.
આ ‘પરાગે’ ફૂલ ખરતાં સાંભળી એની વ્યથા:
મ્હેક ઊડી જાય, તોયે કાળજે પડઘા પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મરણ #વિરહ #પડઘા #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Echoes #Memories #LostLove #Loneliness #ParagRatanpara