પાવો
ડુંગર ઉપર ગોવાળ બેઠો, વગાડે મીઠો પાવો,
સૂર ઊડે ને ગામ જગાડે, ‘ઝટ ગાયો લઈ આવો.’
સૂર ગયો સીમની ધારે, ખળખળ ઝરણું થંભ્યું,
વાછરડું ધાવણ ભૂલીને, કાન માંડીને ઠેર્યું;
પનિહારીનું બેડું ડોલ્યું, એને કોણ સમજાવો?…
ડુંગર ઉપર…
સૂર ગયો સાસરિયે, ત્યાં બેઠી’તી બેનડી રડતી,
પિયરનો ઈ સાદ સૂણીને, આંખે ગંગા પડતી;
સૂર ગયો મસાણે, ત્યાંયે જાગ્યો કોઈ સુવાવો…
ડુંગર ઉપર…
પરાગ કહે: ગોવાળ તો ભોળો, વાંસ તો સાવ પોલો,
શ્વાસ ભર્યો તો સૂર બની ગ્યો, જીવતરનો અણમોલો;
પોલું થાજે, મનવા, તોયે સૂર તને મળશે લહાવો…
ડુંગર ઉપર…
– પરાગ રતનપરા