← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાંપણ નીચે ચાંદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સહિયર, મારી પાંપણ નીચે સંતાડ્યો છે ચાંદ,
રાતે ઊઘડે આંખ, ને ઓરડે ઝૂલે રૂપેરી સાદ.

માડી પૂછે: ‘કેમ તું મલકે? શું છે તારી આંખે?’
હું કહું: ‘કશું નહીં, મા,’ ને ચાંદ લપાય પાંખે;
હૈયું ઝાલ્યું ઝલાય ના, જાણે ઊમટ્યો વરસાદ…
સહિયર, મારી પાંપણ નીચે…

કૂવે પાણી ભરવા જાઉં, ત્યાં પડછાયે ઝબકે,
ઘડો ભરું, ને ઘડામાં પણ એનું મુખડું છલકે;
સહિયર, તને ય થાય છે કદી આવો મીઠો ઉન્માદ?…
સહિયર, મારી પાંપણ નીચે…

પરાગ કહે: પ્રેમ ને પૂનમ, બેઉ ક્યાં છાનાં રહેતાં?
લાખ સંતાડો પાંપણ પાછળ, તોય ગામ સૌ કહેતાં:
‘જો, ઝળહળે છે છોરી!’ ને મને રહે ના કશું યાદ…
સહિયર, મારી પાંપણ નીચે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગઝલઆગલો લેખ →રાખ મા