પાછું આપો બાળપણ
પાછું આપો રે મારું બાળપણ, ભગવાન,
લઈ લ્યો આ ગાડી, બંગલો, ને ખોટી શાન.
ખિસ્સે લખોટી, હાથે ભમરડો, પગમાં ધૂળ ને ઢીંચણે છોલ,
માની ગાળો મીઠી લાગતી, બાપુની ધોલ પણ અણમોલ;
આંબલી, બોર ને કાચી કેરી, ચોરીનું ધન-ધાન…
પાછું આપો રે…
વરસાદે કાગળની હોડી, ઉનાળે નદીનો ધૂબકો,
શિયાળે તાપણે બેસી દાદાની વાર્તાનો ટુકડો;
ઘડિયાળ વિનાના દિવસો, ને આભ જેટલું મેદાન…
પાછું આપો રે…
પરાગ કહે: આ મોટાઈ તો પહેર્યો ભારે કોટ,
ખિસ્સાં ભર્યાં રૂપિયાથી, પણ હૈયે મોટી ખોટ;
ફરી એક વાર કોઈ બોલાવે: ‘ચાલ, રમવા, ઓ નાદાન!’…
પાછું આપો રે…
– પરાગ રતનપરા