ઊંઘ રિસાઈ ગઈ
ઊંઘ રિસાઈ ગઈ રે, ભઈલા, ઊંઘ રિસાઈ ગઈ,
મોબાઈલનું ચાર્જર લઈને પિયર ચાલી ગઈ!
ઘેટાં ગણવા બેઠો રાતે, ઘેટાં માગે ડેટા,
એકસો આઠે પહોંચ્યો ત્યાં તો ઊઠી ગયા સૌ બેટા;
ઘડિયાળ ટકટક બોલે: ‘ભાઈ, ત્રણ તો વાગી ગઈ!’
ઊંઘ રિસાઈ ગઈ રે…
દૂધમાં હળદર નાખી પીધું, તળિયે ઘસ્યું ઘી,
‘ઓમ ઓમ’નો જાપ કર્યો, ને બારી કરી બંધ જી;
પડખાં ફેરવી ફેરવી ખાટલી ચીંચીં ગાતી થઈ…
ઊંઘ રિસાઈ ગઈ રે…
પરાગ કહે: જ્યાં ઑફિસમાં બૉસ બોલે ‘મીટિંગ’,
ત્યાં જ પાંપણ ઢળી પડે, ને ઊંઘની થાય સેટિંગ;
જ્યાં ન સૂવું, ત્યાં જ સૂઈએ, ઊંઘની એ રીત, ભઈ…
ઊંઘ રિસાઈ ગઈ રે…
– પરાગ રતનપરા