ઊઘડે
ભોર થઈ, બાગમાં પાંખડી ઊઘડે,
સ્વપ્નથી જાગતી આંખડી ઊઘડે.
ચૂલમાં આગ લઈ ઓસરી જાગતી,
એ જ સાથે દુખી ઝૂંપડી ઊઘડે.
હળ ખભે, બળદ સાથે, જતો ખેડુ ત્યાં,
શીશ પર રેશમી પાઘડી ઊઘડે.
રાતભર જે રહી બંધ સાડી મહીં,
એ જ માની હવે ગાંઠડી ઊઘડે.
ફૂલ પર બેસતાં સૂર્ય કેરું કિરણ,
ને પરાગે ભરી ચૂંદડી ઊઘડે.
– પરાગ રતનપરા
#ગઝલ #પરોઢ #ગામડું #મા #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dawn #VillageMorning #Mother #NatureImagery #ParagRatanpara