← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓઢણીના રંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સખી, ઓઢણીએ ઓઢણીએ બદલાતા રંગ,
એક જ જીવતર, ને કેટકેટલા ઢંગ!

પીળી ઓઢણી ઓઢી ત્યારે આંબલીએ હું ઝૂલતી,
કાચી કેરી, ચણીબોરમાં ખાવું-પીવું ભૂલતી;
ફળિયે ફળિયે ફરતી, જાણે પતંગિયાંને સંગ…
સખી, ઓઢણીએ ઓઢણીએ…

લાલ ચૂંદડી ઓઢી ને મેં છોડ્યું પિયરનું ગામ,
પારકા ઘરના ઉંબરે લખ્યું કંકુથી મારું નામ;
ચૂલે ચડતી રોટલી સાથે ચડતો હૈયે ઉમંગ…
સખી, ઓઢણીએ ઓઢણીએ…

ધોળી સાડી ઓઢી ત્યારે સઘળા રંગ સમજાયા,
દીકરા, વહુ ને પૌત્રોમાં મેં મારા રંગ વહેંચાયા;
પરાગ કહે: આ ઓઢણી ધોળી, ભીતર સાતે રંગ…
સખી, ઓઢણીએ ઓઢણીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસપનાનું ગામઆગલો લેખ →મહિનાનો પગાર