ઓઢણીમાં ચાંદો
સખી રે, મારી ઓઢણીમાં ચાંદો ઊગ્યો,
અધરાતે મારી આંખ્યુંમાં કોઈ ઝાકળ થઈને પૂગ્યો.
કૂવા કાંઠે બેડું ભરતાં ઝબકી ગઈ હું આજ,
પાણીમાં એનું મુખડું દીઠું, ભૂલી ગઈ હું લાજ;
બેડું રહ્યું ખાલી ને મારો જીવડો છલકી ઝૂક્યો…
સખી રે…
મા પૂછે: ‘તને થયું છે શું? કેમ બેઠી ઉદાસ?’
કેમ કહું કે ઉદાસ નથી, આ તો મીઠો ઉજાસ;
ભીંતે ચીતર્યો મોર પણ જાણે મારે નામે ટહુક્યો…
સખી રે…
પરાગ કહે: આ ચાંદો, સખી, કોઈ દિ’ આથમે નહીં,
પહેલી પ્રીતનો ઉજાસ એવો, ઘૂમટે ઢંકાય નહીં;
આખું ગામ પૂછે: ‘આ શેનું તેજ?’ ને મારો ઘૂમટો મલક્યો…
સખી રે…
– પરાગ રતનપરા