ઓચિંતાં આવ્યાં
તમે ઓચિંતાં આવ્યાં ને ઓરડો મ્હેક્યો રે,
બંધ બારીએ બેઠો કોઈ ટહુકો ટહુક્યો રે.
ઉંબરે આવી પવન થંભ્યો, પડદા ઝૂલ્યા હળવે,
ચૂલે મૂકેલી ચાની તપેલી ઊભરી આવી ઝળહળવે;
અધૂરું ગૂંથેલું ભરત મારા ખોળે ઝબક્યું રે…
તમે ઓચિંતાં…
આંગણે સૂકી તુલસીને જાણે ફૂટ્યાં લીલાં પાન,
વરસોથી બંધ ઘડિયાળે ફરી સાંભર્યું સમયનું ભાન;
સૂનું સૂનું ફળિયું આખું રમતે ચડ્યું રે…
તમે ઓચિંતાં…
પરાગ કહે: જે આવે એમ હવાની જેમ અચાનક,
એને માટે ખુલ્લાં રાખો દિલનાં બધાં ફાટક;
વાટ જોઈ થાકેલું આ મન ફરી ધબક્યું રે…
તમે ઓચિંતાં…
– પરાગ રતનપરા