ઓ જવાની
ઓ જવાની, થોભ જરા, તું આમ ન દોડી જા,
બાળપણ જેમ ગયું, એમ તું ય છોડી ના જા.
કૉલેજના એ ઓટલા, ને ચાની એ લારી,
મિત્રોની એ મશ્કરી, ને સૌથી મોટી યારી;
બિલ કોઈ ભરે, ને ખિસ્સાં સૌનાં ખાલી, એ પળ તોડી ના જા…
ઓ જવાની…
આજ તને જોઉં છું, તો મૂછમાં ધોળો વાળ,
ઑફિસ, હપ્તા, ફાઇલોમાં ખોવાયો સૌ કાળ;
સપનાંની એ પતંગ-દોરી, તું આમ તોડી ના જા…
ઓ જવાની…
પરાગ કહે: જવાની તો છે ફૂલનું પહેલું ફોરવું,
જેટલું વહેંચો, એટલું જ ખીલવું ને મ્હોરવું;
ઘડપણ આવે તોય હૈયે એની મ્હેક તું ઓઢી જા…
ઓ જવાની…
– પરાગ રતનપરા