નિશાળનો ઘંટ
ટન ટન ટન ટન ઘંટ વાગ્યો, ચાલો રે ભેરુ, ચાલો,
દફતર ખભે, પાટી હાથે, કરીએ રે જરા ઉતાવળો.
કક્કો ઘૂંટીએ, બારાખડી, ને ઘડિયાનો સૂર મજાનો,
માસ્તર કહે: ‘શાબાશ, બેટા!’, મળે ગોળનો દાણો;
રિસેસ પડે ત્યાં લખોટી, ભમરડો, ગિલ્લી-દંડો ઝાલો…
ટન ટન ટન…
વરસાદ પડે તો કાગળની હોડી, તરતી જાય રે પાર,
પતંગિયાં પાછળ દોડીએ, ભૂલીએ સઘળો ભાર;
ઝાડે ચડીને કેરી તોડીએ, માળી બૂમે: ‘ભાગો, ચાલો!’…
ટન ટન ટન…
પરાગ કહે: આ ભગવાનનાં નાનાં નાનાં ફૂલ,
હસતાં રમતાં ભણતાં રહે, ના કરજો કોઈ ભૂલ;
દફતરનો ભાર ઓછો કરી, સપનાંનો ભાર આલો…
ટન ટન ટન…
– પરાગ રતનપરા