ને તું નહીં
સાંજ ભીની, આંગણે વરસાદ છે, ને તું નહીં,
ઓઢણીમાં ઝળહળે બસ યાદ છે, ને તું નહીં.
આભના ખોળે ચડીને મોર પણ નાચી ગયો,
આંગણે ટહુકા તણો ઉન્માદ છે, ને તું નહીં.
ગીત ધીમું, ચા પકોડાં, ઝાપટાં ને ઓસરી,
હોઠ પર તો એકલો બસ સ્વાદ છે, ને તું નહીં.
વીજળી ચમકે અને હું બારણે દોડી જઉં,
છાપરે પણ ટપકતી ફરિયાદ છે, ને તું નહીં.
ફૂલ ખીલ્યાં છે ‘પરાગે’ આ વરસ ચારે તરફ,
આ સુગંધી બાગ પણ આબાદ છે, ને તું નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #અષાઢ #વરસાદ #વિરહ #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #MonsoonEvening #Rain #Separation #Longing #ParagRatanpara