ઑનલાઇન મ્હેફિલ
ઑનલાઇન મ્હેફિલ જામી, ભાઈ, ઑનલાઇન મ્હેફિલ જામી,
‘વાહ’ની જગ્યાએ અંગૂઠા, ને સૂરમાં આવી ખામી!
આલાપ લીધો ત્યાં નેટવર્ક ગયું, તાન અધૂરી છૂટી,
શ્રોતાએ ‘મ્યૂટ’ દબાવ્યું, ને તાનપૂરાની દોરી તૂટી;
‘વાહ વાહ’ને બદલે આવે અંગૂઠા ને ફૂલ,
ગાયકી ગઈ ગાંડા જેવી, ભલા, આ કેવી ભૂલ!
ઑનલાઇન મ્હેફિલ જામી…
ભૈરવ સવારે ગાવો હતો, પણ ‘લાઇવ’ રાતે થાતું,
રાગ દરબારી સાંભળતાં સૌ ‘રીલ’ બનાવી જાતું;
તબલચી કહે, ‘ડેટા ખૂટ્યો, તાલ હવે સૌ ઢીલો,’
સમ ઉપર આવ્યા ત્યાં પડદો થઈ ગયો કાળોપીળો!
ઑનલાઇન મ્હેફિલ જામી…
પરાગ કહે: સૂર તો ઊગે ગળામાંથી, ઓ ભાઈ,
ચાર્જર એનું સાધના છે, ને બૅટરી ગુરુની વડાઈ;
ફોન મૂકીને આંખો મીંચો, ભીતરનો રાગ છેડો,
પછી જુઓ કે ‘લાઈક’ વિના પણ કેવો ઝૂમે છે બેડો!
ઑનલાઇન મ્હેફિલ જામી…
– પરાગ રતનપરા