નજરથી છે
જગતમાં ના કશું સારું, બધું સારું નજરથી છે,
જુએ જે દીવડો, એને ન અંધારું, નજરથી છે.
ખુદાની એ ધરા, આકાશ, પાણી સર્વનાં સરખાં,
ચણી ભીંતો અમે સૌએ, થયું મારું નજરથી છે.
હતું નાનું, હતું કાળું, હતું ગંદું, હતું ઘેલું,
છતાં એ બાળ માને તો સદા પ્યારું, નજરથી છે.
સવારે રોજ ઊગે એ જ સૂરજ આભમાં, તો પણ
નવી આંખે જુઓ, લાગે ઘણું ન્યારું, નજરથી છે.
પરાગે મ્હેક વેરી, ને પવન લઈ ગ્યો ઘરે ઘરમાં,
હવે કોનું કહો એને? બધું તારું, નજરથી છે.
– પરાગ રતનપરા
#ગઝલ #દૃષ્ટિ #સાપેક્ષ #સત્ય #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Perspective #RelativeTruth #EyeOfTheBeholder #Wisdom #ParagRatanpara