નામ લખ્યું
રેતી ઉપર નામ લખ્યું તો મોજું આવી ભૂંસી ગયું,
પાણી ઉપર નામ લખ્યું તો વમળ થઈને ઘૂમી ગયું.
ઝાડની છાલે નામ કોતર્યું, ઝાડ તો કપાઈ ગયું,
ભીંત ઉપર લખ્યું ચૂનાથી, ચોમાસે ધોવાઈ ગયું;
પાટી ઉપર ઘૂંટ્યું’તું, ત્યાં નિશાળનું ઘર છૂટી ગયું…
રેતી ઉપર…
ફોનમાં નામ સાચવ્યું’તું, ફોન ગયો ને ભૂલી ગયું,
પાસવર્ડમાં રાખ્યું’તું, તે ય નવું પૂછી ગયું;
હવાની પાંખે મોકલ્યું, તો દિશા ભૂલી ઝૂમી ગયું…
રેતી ઉપર…
પરાગ કહે: મેં છેવટ લખ્યું ધબકારાની ગતિમાં,
હવે ન ભૂંસે મોજું, વાયુ, ન સમય કોઈ રીતમાં;
શ્વાસ ચાલે ત્યાં સુધી રહેશે, પછી સાથે ઊડી ગયું…
રેતી ઉપર…
– પરાગ રતનપરા