ના ઓળખે
સાવ સામે છે છતાં, એ દીકરો ના ઓળખે,
જે ઘસી નાખ્યો પગે, એ ઉંબરો ના ઓળખે.
બાળપણનાં ગીત, સૈયરનાં ય નામો યાદ છે,
સાસરાના ગામનો એ પાદરો ના ઓળખે.
બાપુએ વેણી મહીં ખોસ્યો હતો, એ સાંભરે,
પણ પછી રોપ્યો અમે, એ મોગરો ના ઓળખે.
લાકડીના ટેકણે ચાલે, ઘડીમાં થાકતી,
જે પહેરી નાચતી, એ ઝાંઝરો ના ઓળખે.
‘કોણ છો?’ પૂછે, છતાં ખોળો ધરે છે, ઓ ‘પરાગ’,
બાળ થઈ ગઈ બા, હવે હું આસરો, ના ઓળખે.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #સ્મૃતિભ્રંશ #ઘડપણ #મમતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #Dementia #OldAge #UnconditionalLove #ParagRatanpara