ન ભૂંસજે
તેં ચડાવ્યો જે મને, એ લાલ રંગ ન ભૂંસજે,
શાંત જળમાં તેં જગાડ્યો એ તરંગ ન ભૂંસજે.
એક બાળક જેમ મેં જે આભમાં દોર્યો હતો,
જે હજી ઊંચે ચગે છે, એ પતંગ ન ભૂંસજે.
વાળમાં ચાંદી ભલે, પણ આંખમાં ફાગણ હજી,
આ ઢળેલી સાંજનો આ નવ ઉમંગ ન ભૂંસજે.
નામ તારું તાલ થઈને વાગતું છાતી મહીં,
રાતદિન ધબકે સતત, ઉરનો મૃદંગ ન ભૂંસજે.
ફૂલ છોડી આ હવામાં ઊડતો જાશે ‘પરાગ’,
તોય એના મ્હેકવાનો સૌમ્ય ઢંગ ન ભૂંસજે.
– પરાગ રતનપરા
#ગઝલ #રંગ #પ્રેમ #સ્મૃતિ #પ્રાર્થના #પરાગરતનપરા
#GujaratiGhazal #ColorsOfLove #Memory #Belonging #Prayer #ParagRatanpara