મોટું ઘર
મોટું ઘર ને એકલી ડોશી, ભીંતો ભીંતો બોલે,
ખાલી ઓરડે ઘડિયાળ ટકટક, કોઈ ન બારણું ખોલે.
ચાર દીકરા ચાર દેશમાં, વહુઓ ભણેલી ગણેલી,
પૌત્રો બોલે અંગ્રેજીમાં, ‘ગ્રેની’ કહી પૂછે ઘેલી;
વીડિયો કૉલમાં હસે બધાં, ને ડોશી આંસુ ઢોળે…
મોટું ઘર…
ચૂલે આઠ જણનું રાંધે, પછી યાદ આવે ધીમે,
ઠીકરીમાં રોટલી એક, ને બાકી કૂતરાં જમે;
સાંજે ઝૂલે હીંચકે બેસી, આખું ગામ સંભાળે…
મોટું ઘર…
પરાગ કહે: આ મોટાં ઘર તો ઈંટ-ચૂનાનાં ઢગલાં,
નાનું ઘર હો, પણ ભર્યું ભર્યું, એ જ સાચાં મંગળ પગલાં;
મા ને કદી એકલી ના મૂકો, એનું હૈયું ડોલે…
મોટું ઘર…
– પરાગ રતનપરા