મોતી થયાં
આંખો ઝરે મા-બાપની, એ ઉંબરે મોતી થયાં,
ટીપાં પડે પરસેવનાં, એ ખેતરે મોતી થયાં.
સરહદ ઉપર જે વીર ગ્યા, પાછા ન આવ્યા ગામમાં,
ખાંભી બની, સિંદૂરથી, એ પાદરે મોતી થયાં.
છોડી પહાડી ગોદ, ને રસ્તે ઘણી ઠોકર સહી,
મીઠી નદી ખારી બની, પણ સાગરે મોતી થયાં.
પાંખો કપાણી, તોય પંખી ગીત ના ભૂલ્યું કદી,
ટહુકા બધા એ કેદના, સૌ પિંજરે મોતી થયાં.
લોકો પરાગે પૂછતા: ‘ક્યાંથી ગઝલ આવી, કહો?’
જે ઘાવ મેં સંતાડિયા, એ ભીતરે મોતી થયાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મોતી #પીડા #તપ #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #Pearls #PainToBeauty #Sacrifice #Creation #ParagRatanpara