← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક દરિયાનું મોતી રે, મારી નથણીમાં ઝૂલે,
સાયબો લાવ્યો ડૂબકી મારી, હૈયું હરખે ફૂલે.

ખારાં પાણી, ઊંડાં પાણી, છીપે બેઠું છાનું,
સાયબે શ્વાસ રોકીને આણ્યું, હૈયું થયું દીવાનું;
આયને જોઉં, ને મોતી પૂછે: ‘કોણ વધુ ઊજળું ખૂલે?’
એક દરિયાનું મોતી રે…

ગામની સૈયર ઈર્ષ્યા કરે, ‘ક્યાંથી લાવી, બોલ?’
હું હસું ને કહું: ‘પ્રીતનું છે, એનો ના થાય તોલ;’
સોનીને ત્રાજવે મૂક્યું તો ત્રાજવું પણ ડૂલે…
એક દરિયાનું મોતી રે…

પરાગ કહે: મોતી તો છીપનું આંસુ છે, ભાઈ,
વેદના ગંઠાઈને જે ચમકે, એ જ એની સચ્ચાઈ;
પ્રેમ પણ એવું મોતી, જે પીડા વેઠીને ફૂલે…
એક દરિયાનું મોતી રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકવિશ્રીઆગલો લેખ →યુદ્ધ વિશે