મોરલો
મોર ટહુકે રે ડુંગરિયે, સાદ ઝીલે મારું મન,
ઝરમર ઝરમર મેહ વરસે ને ભીંજે આખું વન…
કળા કરીને નાચે મોરલો, પીંછે પીંછે સાત રંગ,
ઓથે ઊભી ઢેલ નીરખે, શરમાતી સંગ સંગ;
એવું મને ય કોઈ નીરખે, એવી ઊગી રે લગન…
મોર ટહુકે રે…
સૈયર સંગે ફૂલ વીણવા ગઈ ફૂલવાડી મોઝાર,
મોગરો, ચંપો, જૂઈ ને ડોલર, ગૂંથ્યો વેણીનો હાર;
વેણી ગૂંથતાં આંગળી ધ્રૂજી, કોનું થયું સ્મરણ?…
મોર ટહુકે રે…
પરાગ કહે: મોર ટહુકે ત્યાં ધરતી દુલ્હન થાય,
વાદળ જેવા સાજન આવે, તરસ્યું તન ભીંજાય;
ટહુકે ટહુકે ખીલે મારા જીવતરનું આંગણ…
મોર ટહુકે રે…
– પરાગ રતનપરા