← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોજીલા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે મોજીલા માણસ, અમને કોઈ ન બાંધે ખીલે,
અમારી ઝોળી તડકો ઝીલે, ઝરમર ઝાપટાં ઝીલે.

કોઈ ગણે છે સિક્કા, કોઈ ગણે છે તારા,
અમે ગણીએ પાનની ધારે ઝાકળના ઝબકારા;
ગણતાં ગણતાં ભૂલી જઈએ, મોજ પડે ને ખીલે…
અમે મોજીલા માણસ…

હાલ્યા ત્યાં તો કેડી ફૂટી, બેઠા ત્યાં તો ઘર,
ભૂખ લાગી તો ભજન ગાયું, ઊંઘ આવી તો પથ્થર;
ઊંચું જોયું ત્યાં તો આખું આભ અમોને ઝીલે…
અમે મોજીલા માણસ…

પરાગ કહે: કોઈ ખોજે ઈશ્વર, કોઈ ખોજે ખજાનો,
અમે ખોજીએ મોજ, ને મોજે મળતો રામ મજાનો;
રામ મળે તો હસીએ, ના મળે તોય હૈયું ખીલે…
અમે મોજીલા માણસ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅધૂરીઆગલો લેખ →હાથ ઝાલજે