મોહનનું કામણ
કયે ઠેકાણે કામણ મેલ્યું, મોહન, કહી દે સાચું,
વાંસળીમાં કે આંખોમાં? હું ક્યાંય ન એને વાંચું.
જમના કાંઠે બેડું ભરવા ગઈ’તી હું તો એકલી,
બેડું ભૂલી, કાંઠો ભૂલી, ભૂલી ઘરની ગલી;
સાસુ પૂછે: ‘ક્યાં ગઈ’તી?’, મારું મન તો હજી કાચું…
કયે ઠેકાણે…
છાશ વલોવું, માખણ ઊતરે, તારું મોઢું દેખું,
દીવો કરું તો જ્યોત વચાળે તારું મુખડું પેખું;
ઘરનું કામ બધું ય અધૂરું, મનડું તારે તાલે નાચું…
કયે ઠેકાણે…
પરાગ કહે: આ કામણ કોઈ ઠેકાણે ના જડતું,
જેને લાગે, એનું હૈયું આખું શ્યામ જ પડતું;
રાધા પૂછે, ગામ પૂછે, ને હું ય ગીતે જાચું…
કયે ઠેકાણે…
– પરાગ રતનપરા