મંદિરમાં એકલો
મારા મંદિરમાં ભીડ ઘણી, તોય હું એકલવાયો,
સૌ માગણનાં પોટલાં લાવ્યા, કોઈ ન મળવા આયો.
કોઈ માગે દીકરો, કોઈ માગે ઊંચો પગાર,
કોઈ માગે વિઝા, કોઈ માગે જીતનો હાર;
રાધા જેવું કોઈ ન બોલ્યું: ‘તું ભૂખ્યો કે ધરાયો?’…
મારા મંદિરમાં…
પૂજારી ગણે દક્ષિણા, ને ભક્ત ગણે છે વારો,
વીઆઈપી ઝટ દર્શન કરે, ગરીબ ઊભો બિચારો;
મીરાં જેવું કોઈ ન નાચ્યું, સૌ ઉતાવળો ધાયો…
મારા મંદિરમાં…
પરાગ કહે: પગથિયે બેઠી ફૂલ વેચતી એક માડી,
ભૂખ્યા છોરાને દઈ દીધી પોતાની અડધી ભાખરી ફાડી;
કાનો ત્યાં જ ઊભો’તો, મંદિરમાં તો પડછાયો…
મારા મંદિરમાં…
– પરાગ રતનપરા