મ્હેક છે
આ હજારો ગીત-ગઝલો, એક ક્યારી, મ્હેક છે,
ફૂલ મારાં, પણ ખરેખર પ્રીત તારી મ્હેક છે.
કેટલી રાતો ઉજાગર, કેટલી પીડા લખી,
એક દીવો, એક ખુરશી, એક બારી મ્હેક છે.
છોડ શબ્દોના, ન જાણે કોણ સીંચે રાત-દિન,
મા તણી એ પ્રાર્થનાની આંસુ-ઝારી મ્હેક છે.
વાંચનારા, આપ સૌએ દાદ દીધી હેતથી,
એ તમારી દાદની તો ખૂબ ન્યારી મ્હેક છે.
શબ્દ જે ગૂંથ્યા, ઉછીના ક્યાંયથી લીધા નથી,
ગુર્જરી! તારી જ બોલી, સાવ પ્યારી મ્હેક છે.
કેટલું ગાયું, છતાં એ ગીત બાકી છે હજી,
એ અધૂરા ગીતની પણ ખાસ સારી મ્હેક છે.
કાલ સૌ કરમાઈ જાશે આ ગઝલનાં ફૂલ, પણ
આ ‘પરાગે’ જે વહેંચી, એ જ મારી મ્હેક છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સમાપન #કાવ્યયાત્રા #ગુજરાતી #સુવાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #ClosingGhazal #PoeticJourney #GujaratiLanguage #LastingFragrance #ParagRatanpara