મેઘનું વચન
ઉનાળે બળતી ધરતીને ટાઢક દેવા આવીશ,
ભરી ભરીને વાદળીઓની કાવડ લઈને આવીશ…
ચાતક ચાંચ ઉઘાડી બેઠું, એની તરસ ઓળખીશ,
સૂકી નદીના પટમાં જઈને ધીમે ધીમે ધબકીશ;
પનિહારીની ખાલી હેલે ગીત ભરીને આવીશ…
ઉનાળે બળતી ધરતીને…
ખેડુની આંખેથી ચિંતાનાં વાદળ વીણી લઈશ,
બીજને કાનમાં ‘ઊગ હવે’નું મીઠું ઇજન દઈશ;
છાપરે છાપરે નેવાંનો તબલો વગાડતો આવીશ…
ઉનાળે બળતી ધરતીને…
પરાગ કહે: મેઘ કદી ના પૂછે ‘કોનું ખેતર?’
વરસે સૌના આંગણે, ના રાખે કોઈ અંતર;
માણસ પણ એવો થાય, તો હું રોજ વરસવા આવીશ…
ઉનાળે બળતી ધરતીને…
– પરાગ રતનપરા