મૌન છે
વાત પૂરી થાય ત્યાંથી એક ઊંડું મૌન છે,
પાંપણેથી જે ઝરે, એ સાવ ભીનું મૌન છે.
રોજ ખેતર ખેડતા ને બાપ બોલ્યા ના કશું,
છાપરાની જેમ ઊભું એક પાકું મૌન છે.
હાથ હાલ્યો, ટ્રેન ચાલી, હોઠ ના ખૂલ્યા જરી,
સ્ટેશને છૂટી ગયું જે, એ જ કડવું મૌન છે.
પ્રશ્ન પૂછ્યો કોઈએ ને સૌ પ્રધાનો ચૂપ છે,
લોકશાહીમાં હવે તો એ જ સસ્તું મૌન છે.
ફૂલ ખીલે ત્યાં ‘પરાગે’ શોર ક્યાં થાતો કદી?
જે સુગંધે વિસ્તરે એ શુદ્ધ સાચું મૌન છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #પિતા #વિદાય #અબોલપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #FathersSilence #Farewell #UnspokenWords #ParagRatanpara