મૌલા, મારી જીભે
મૌલા, મારી જીભે આ કોણ આવીને બેઠું?
નામ લઉં ત્યાં મીઠું લાગે, જાણે મધનું ટીપું હેઠું.
પહેલાં જીભે ગાળો હતી, ને હૈયે વેર ને ઝેર,
હિસાબ, ઝઘડા, લોભ ને લાલચ, કોને કહું શી પેર;
એક દિ’ ફકીરે ‘અલ્લાહ’ કીધું, ને નામ હૈયે પેઠું…
મૌલા, મારી જીભે…
હવે બોલું ત્યાં ફૂલ ખરે છે, મૌન રહું ત્યાં દીવો,
દુશ્મન સામે આવે તો પણ મનમાં બોલું: ‘જીવો!’
મસ્જિદ-મંદિર ભેદ ભૂલીને મન તારે દ્વારે બેઠું…
મૌલા, મારી જીભે…
પરાગ કહે: આ જીભ નથી, આ તો તારી વાંસળી,
ફૂંક તારી ને સૂર તારો, હું તો ખાલી પોલી નળી;
જે કંઈ બોલું, તારું બોલું, બાકી સઘળું એઠું…
મૌલા, મારી જીભે…
– પરાગ રતનપરા