← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મનવા, જાગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મનવા, શાને ભટકે મેળે, આ મેળો બે દા’ડાનો,
રંગ-રંગીલો દીસે ભલે, અંતે ખેલ ધુમાડાનો.

સોનું ચાંદી ભેગું કીધું, ભર્યા પટારા મોટા,
ભીતર ખાલી કૂવા જેવું, ઉપર ઠાઠ ને ગોટા;
હરિનું નામ ન લીધું, ભાઈ, કોણ ભરોસો દા’ડાનો?
મનવા, શાને ભટકે…

સગાં-વહાલાં સૌ સંગાથી, ઘાટ સુધી આવે,
પછી સૌ પાછાં વળે ઘરે, કોઈ ન સાથે જાવે;
એક જ નામ ચાલે સંગાથે, બાકી ભાર ગાંસડાનો…
મનવા, શાને ભટકે…

પરાગ કહે: આ શરણું સાચું, હરિ ચરણની છાયા,
બાકી સૌ તો ઝાંઝવાં જેવી, મોહ ભરેલી માયા;
દીવો કર તું ભીતરમાં, ત્યાં થાશે અંત અંધારાનો…
મનવા, શાને ભટકે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકલમઆગલો લેખ →કાનાની સેલ્ફી